ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં જંગી વધારો રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે
ગુજરાત એસટીમાં મુસાફરી કરતા 10 લાખથી વધુ મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોને મુસાફરી મોંઘી પડશે. સરકારે પરિપત્ર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે.
આ મુજબનો વધારો કરાયેલ છે...
રાજ્યમાં 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે.
-લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યા છે.
-એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 85 પૈસા કરવામાં આવ્યા છે.
-નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.
ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફર ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્યશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરુપે ભારતમાં પ્રથમ વખત BS6ના 2320 જેટલા નવીન વાહનો મુસાફરો જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
એસટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં વધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટ્સના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે, જ્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.
વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી. જયારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉતર પ્રદેશ જેવા રાજ્યોમાં દર વર્ષે બસ ભાડામાં વધારો કરવામાં આવે છે.
